admin Kavita/ Poems of Girish Makwana 2025-06-10 04:31:37 18
હસતું રમતું અમદાવાદ,
છેલ-છબીલું અમદાવાદ.
એરકન્ડીશન્ડ મ્હેલાતોમાં,
ઠંડમઠંડુ અમદાવાદ,
ખડકી, ખાંચે, પોળ, શેરીએ.
સ્તબ્ધ ઊભેલું અમદાવાદ.
ઝૂંપડપટ્ટીના ઝૂમખામાં,
આકળ વિકળ અમદાવાદ.
સડક ઉપરનાં ટોળા વચ્ચે,
હિબકાં લેતું અમદાવાદ.
બુલેટ, છૂરી, પથ્થર- ઘાથી,
લોહી નિતરતું અમદાવાદ.
દિવાસળી મલકે છે. જોઇ,
બળતું-ઝળતું અમદાવાદ.
આગ ઉપર શેકાતું સળિયે,
દાઢે વળગ્યું અમદાવાદ.
માણસ ખોળ્યો એક મળે ના,
માણસ હીણું અમદાવાદ.
પોતીકાં જ્યાં વાર કરે ત્યાં,
રાવ કરે ક્યાં અમદાવાદ?
રડતું બળતું અમદાવાદ,
તરફડતું આ અમદાવાદ.
No comments found.