અભાવનું ગીત

admin     Kavita/ Poems of Girish Makwana    2025-08-07 02:20:28    62


આજ ખાલી ખાલી તે બધું લાગતું,

મેળામાં ઉભરાતું આટલું મનેખ તોય,

કોનું ન હોવું મને વાગતું?

દર્પણ લઈને અમે દર્પણમાં દીઠું આકાશ,

ધોળાધફ નિસાસા ટહેલતાં રીયે છે મારી આંખ્યું ના સૂના આવાસ.

આકળ-વિકલ એક હિજરાતું હરણું,

યે લાલ, લાલ, લાલ, લાલ જાગતું... આજ.

અડકી જોયું મેં મને કેટલાયે વાર,

આ તે હું છું કે મારો આભાસ?

છોડી મળ્યાં છે કૂણે, ગાયું ન ધણ મારા,

લીલછમ ભેલાતા શ્વાસ.

આથમી રહ્યો છે મારા હોવાનો સૂરજ,

ને અંધારું કોણ હવે વાવતું?