અવાજો

admin     Kavita/ Poems of Girish Makwana    2025-08-21 03:59:37    27


ચરણ બે ચાર ચાલીને વળી પાછા ફરે અવાજો,

ખંડેરમાં ઘુમરાઈને ઝાંખા પડે અવાજો!


સમંદરની ખારી લહેરો સાથે આંખમાં પેસી જાય,

નજરના શૂન્યમાં અથડાઈને પાછા ફરે અવાજો!


માંદા સૂરજના તાપમાં ફૂલી જઈ કરમાય,

ને બરફ વરસતા ચંદ્રમાં બાટલી થઈ તૂટતા અવાજો!


સ્પીકરના એક ખૂણે અચાનક છુપાઈને બેઠા,

રાગમાં ગુંગળાઈ જતાં રેડિયોની સ્વિચમાં અવાજો!


નનામીના ચોકઠામાં જ્યારે એ પુરાઈને બળશે,

નજરના એકાંતમાં છુપાઈને ત્યારે હસશે અવાજો!


કાંટાની અણીઓમાં કદીક શોભી ઉઠે ખરા,

કોણ જાણે! તોય ત્યાં લહેરાઈ થઈને રેશમી અવાજો!